વિધાર્થીઓ માટે અહીં વર્ષાઋતુ નિબંધ ગુજરાતીમાં આપવામાં આવ્યો છે. એક કરતા વધારે નિબંધ વિવિધ ધોરણ ને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. ધોરણ 3 થી 5, ધોરણ 6, 7, 8 અને ધોરણ 9, 10, 11, 12 ના વિધાર્થીઓ પણ અહીં આપેલ વર્ષાઋતુ નિબંધ ( Varsha Ritu Nibandh in gujarati PDF) નો ઉપયોગ કરી શકશે. અહીં 200 શબ્દોમાં, 300 શબ્દોમાં અને 500 શબ્દોમાં પણ નિબંધ આપેલ છે.

વર્ષાઋતુ નિબંધ ગુજરાતી ધોરણ 10
આપનો દેશ ભારત વિવિધતાઓથી ભરપૂર છે. તેમાં ઋતુઓની વિવિધતા સૌને આકર્ષે છે. ભારતમાં મુખ્યત્વે ત્રણ ઋતુઓ અનુભવાય છે. શિયાળો, ઉનાળો, અને ચોમાસુ. તેમાં ચોમાસુ એ વરસાદની મુખ્ય ઋતુ છે. અને વરસાદ એ સૌને માટે આનંદદાયક ઋતુ છે.
ઉનાળાના ધોમ ધખતા તડકાથી ધરતી અને લોકો ત્રાહિમામ થઇ ગયા હોય, નદી અને તળાવો સૂકાભઠ્ઠ બન્યા હોય, ધરતીનો તાત ખેડૂત આશાવાદી નજરે આકાશ તરફ મીટ માંડી રહ્યો હોય અને ત્યારે વર્ષારાણી નું આગમન સૌને આલ્હાદક લાગે છે.
ચોમાસાનું આગમન પણ કોઈ રાજાના લશ્કરથી ઓછું નથી હોતું. શરૂઆતમાં વૈશાખી વાયરા ચારેકોર થી ફૂંકાય છે. પવનના સુસવાટા સાથે વાવાઝોડા પોતાની તાકાતનો પ્રભાવ બતાવે છે. થોડા દિવસસોમાં આકાશ કાળા ડિબાંગ વાદળાંઓની ચાદર ઓઢવા લાગે છે. વીજળીના કડાકા અને ભડાકા સાથે મેઘરાજાની સવારી પૃથ્વી માતાના આંગણે આવી પહોંચે છે.
વરસાદ બધે જ પાણીની રેલમછેલ કરે છે. ગામડામાંથી ગલીઓમાં, ત્યાંથી નાના નાના ઝરણાઓમાં અને પછી નદીઓ સુધી પાણી પહોંચી જાય છે. નદી – નાળા પાણી થી છલકાઈ જાય છે. ખેતરો નિર્મળ જળથી તૃપ્ત બને છે. કુવા અને બોરના પાણીના તળ ઊંચા આવે છે.
પશુ પક્ષીઓ અને પ્રાણીઓ પણ વરસાદની મોસમને મનભરીને માણે છે. જંગલો પણ લીલી ચાદર ઓઢી લે છે. નવી નવી વનસ્પતિ અને ઘાસ પ્રાણીઓનો ચારો બને છે. તળાવોમાં નવા પાણી આવતા વિદેશી પક્ષીઓ પણ ભારતના મહેમાન બને છે. દેડકા તો ડ્રાંઉં ડ્રાંઉં કરે છે સાથે સાથે મોર પણ કળા કરીને પોતાનો આનંદ પ્રગટ કરે છે.
સૌથી આનંદિત ખેડૂતો થાય છે. આનંદ અને અનેરા ઉલ્લાસમાં વાવણીની તૈયારી કરે છે. આખા વર્ષ થી તૈયાર બળદો પણ હવે મહેનતની મોસમ આવે છે. જો કે આધુનિક સમયમાં આવા દ્રશ્યો ઓછા જોવા મળે છે. ખેતીના કામ કાજ સાથે સાથે ચોમાસાની ઋતુ વિવિધ ધાર્મિક તહેવારો લઈને આવે છે. જેથી લોકનો આનંદ બેવડાય છે. બાળકો પણ મનભરીને વરસાદની ઋતુને માને છે.
વરસાદ ત્યારે નથી ગમતો જયારે તે રૌદ્ર રૂપ ધારણ કરે છે. સતત વરસતો વરસાદ અતિવૃષ્ટીનું રૂપ ધારણ કરે ત્યારે જાનમાલનું નુકશાન વેઠવું પડે છે. ખેતરોમાં ઉભો પાક નષ્ટ થઇ જાય છે. માણસો અને પ્રાણીઓ બંનેને આ પરિસ્થિતિ નો સામનો કરવો પડે છે. નદીઓમાં અચાનક પૂર આવે છે. નીચાણવાળા ગામડાઓમાં નદીના પાણી ઘુસી જાય છે. મકાનો ધરાશાયી થવા, રસ્તા-પુલ તૂટી જવા, ઘરવખરી અને ઢોર તણાઈ જવા, રોગચાળો ફાટી નીકળવો વગેરે પરિસ્થિતિઓ ઉપસ્થિત થાય છે.
તેનાથી વિરુદ્ધ ક્યારેક એવું પણ બને કે વરસાદ સાવ ઓછો વરશે તો દુકાળના જેવી પરિસ્થિતિ સર્જાય છે. ખેતરોમાં ઉભો પાક સુકાય જાય છે. પાણી ની અછત સર્જાય છે. ઘાસચારાની અછતના લીધે માનવ અને પશુ – પંખીઓ માટે ખોરાક મેળવવો મુશ્કેલ બની જાય છે. ધંધા – રોજગાર ને પણ માઠી અસર થાય છે. આમ માનવ જીવન મુશ્કેલ બની જાય છે.
વરસાદના વિવિધ સ્વરૂપો છતાં સૌને ઉપયોગી વર્ષાઋતુ માનવજીવનમાં નવી ઉર્જા નો સંચાર કરે છે. એટલે જ તો તેને ઋતુઓની રાની કહેવામાં આવે છે. વરસાદ સાચે જ સજીવસૃષ્ટિ માત્ર જીવનદાતા સમાન છે. પ્રાણીમાત્રના જીવનનો આધાર છે.
વર્ષાઋતુ નિબંધ ગુજરાતી ધોરણ 12
ઉનાળો પૂરો થતાં જ વર્ષાઋતુની શરૂઆત થઈ જાય છે. આપણો દેશ ખેતીપ્રધાન દેશ હોવાથી વર્ષાઋતુ ખૂબ જ મહત્વની ઋતુ માનવામાં આવે છે .મોટાભાગના વિસ્તારોમાં ખેતી ચોમાસા પર આધારિત છે. ખેતી અને પશુપાલનનો મુખ્ય આધાર વરસાદ પર રહેલો છે. માનવ ,પશુ – પંખી અને વનસ્પતિ સૃષ્ટિ વરસાદને આભારી છે.
વરસાદનું આગમન
ચોમાસું શરૂ થતાં જ આકાશમાં કાળાં કાળાં વાદળો દેખાવા લાગે છે. આકાશમાં ક્યારેક છૂટાછવાયા વાદળો દેખાય છે તો ક્યારેક ઘનઘોર વાદળોની ચાદર છવાઇ જાય છે. તો વળી , ક્યારેક વાદળો એકબીજા સાથે હરીફાઈ કરી રહ્યા હોય એમ દોડતાં નજરે પડે છે. સૂર્ય જાણે વાદળોની વચ્ચે સંતાકૂકડી રમતો હોય એવું લાગે છે. આવાં દૃશ્યો જોઈ સૌના મનમાં વરસાદના આગમનની આશા જાગે છે.
પવનના સુસવાટા , વીજળીના ચમકારા અને વાદળોના ગડગડાટ સાથે મેઘરાજાની પધરામણી થાય છે. ક્યારેક ઝરમર ઝરમર ઝીણી ધારે વરસતો વરસાદ તો વળી ક્યારેક સાંબેલાધાર કે ધોધમાર વરસાદ પડે છે.
Read More : મહિલા સશક્તિકરણ પર નિબંધ
પ્રાકૃતિક સૌંદર્ય :
વરસાદના આગમનથી ચારેબાજુ આનંદ છવાઈ જાય છે. ભીની માટીની મહેકથી વાતાવરણ મઘમઘી ઉઠે છે. મોર, બપૈયા, ચાતક, જેવા પક્ષીઓ મેહુલાના સ્વાગતના ગીતો ટહુકા કરી કરીને ગાય છે. માછલીઓ અને દેડકાઓઆનંદિત થઇ જાય છે. પક્ષીઓના કિલ્લોલથી વાતાવરણ ગુંજી ઉઠે છે. મોર કળા કરીને નાચે છે.
વરસાદના આગમનથી ધરતી પર લીલુંછમ ઘાસ ઊગી નીકળે છે. ધરતી નવું રૂપ ધારણ કરે છે. ધરતીએ લીલી સાડી પહેરી હોય એવું મનોહર દશ્ય જોવા મળે છે. કુણાકૂણા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાની મજા પડે છે. વરસાદના પાણીથી છલકાતાં જળાશયો જીવંત લાગે છે.
ખેતરોમાં લીલોછમ પાક લહેરાવા લાગે છે. આ ઋતુમાં અવારનવાર દેખાતું સપ્તરંગી મેઘધનુષ નીલગગનમાં શોભી ઊઠે છે. વરસાદના સૌદર્યને વર્ણન કરતા કવિ શ્રી રમેશ પારેખે લખેલી સુંદર પંક્તિઓ યાદ આવી જાય.
‘‘થરથર ભીંજે આંખ-કાન, વરસાદ ભીંજવે
શ્રેને કોનાં ભાન-સાન, વરસાદ ભીંજવે.”
વર્ષાઋતુની જનજીવન પર અસર :
વરસાદનું આગમન થતાં જ ચારેબાજુ ખુશીઓ છવાઈ જાય છે .ખેડૂતો પોતાના ખેતી ઓજારો અને બળદોને તૈયાર કરીને ઉત્સાહથી ખેતરમાં જાય છે. આધુનિક સમયમાં ટ્રેક્ટર અને યાંત્રિક સાધનોના ઉપયોગના લીધે આવા દૃશ્યો ભાગ્યે જ જોવા મળે છે. બાળકોને વરસાદમાં છબછબિયાં કરવાની મજા પડી જાય છે. બાળકો પાણીના વહેણમાં કાગળની હોડી બનાવીને તારવવાની મજા લેતા હોય છે.કોઈ છત્રી લઈને નીકળી પડે છે તો કોઈ રેઇનકોટ પહેરીને ચાલુ વરસાદમાં ફરવા નીકળી પડે છે. નાનાં બાળકો વરસાદમાં નાચે છે, કુદે છે, ગાય છે, વરસાદને આવકારે છે.
“આવ રે વરસાદ, ઘેબરિયો પરસાદ;
ઊની ઊની રોટલી ને, કારેલાંનું શાક.”
થોડા જ સમયમાં પાક ઉગી નીકળતાં જ ચારેબાજુ હરિયાળી છવાઈ જાય છે.લોકો આનંદ પ્રગટ કરવા અલગ અલગ તહેવારોની ઉજવણી કરે છે.
હવા , પાણી અને ખોરાક આપણી મુખ્ય જરૂરિયાતો છે . જેમાં હવા આપણને પ્રકૃતિ તરફથી વિપુલ પ્રમાણમાં મળી રહે છે , પરંતુ પાણી અને અનાજ વરસાદને આભારી છે .આપણા જીવનનિર્વાહ માટે અનાજ તેમજ પશુપાલન માટે જરૂરી ઘાસચારો વરસાદને જ આભારી છે.
અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ
જેમ યોગ્ય માત્રામાં થતા વરસાદથી સજીવસૃષ્ટિ પર સારી અસર થાય છે તેમ ખૂબ ઓછો કે ખૂબ વધારે વરસાદ પડે તો ઘણું નુકસાન પણ થાય છે. વધુ પડતા વરસાદથી નદી નાળાં છલકાઈ જાય છે. નદીઓમાં પૂર આવે તો આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળે છે. માલસામાન અને પશુઓ તણાઈ જાય છે .ખેતરમાં ઉભેલા પાક ધોવાઈ જવાથી ખેડૂતો પાયમાલ થઈ જાય છે. વધુ પડતા પાણીના ભરાવાથી રોગચાળો ફાટી નીકળે છે.
ખૂબ જ ઓછા પ્રમાણમાં વરસાદ પડે અથવા વરસાદ ના પડે તો પણ જીવન મુશ્કેલ બની જાય છે. ખેતરોમાં વાવેલો પાક પાણીના અભાવે સુકાઈ જાય છે. અનાજ અને ઘાસચારાની અછતના લીધે માનવ અને પશુ – પંખીઓ માટે ખોરાક મેળવવો મુશ્કેલ બની જાય છે. નદીનાળાં સુકાઈ જાય છે. ખેતી અને ખેતી આધારિત રોજગાર ધંધા પડી ભાગતાં ભૂખમરો અને બેકારી જેવી સમસ્યા સર્જાય છે.
ઉપસંહાર :
વર્ષાઋતુ સાચેજ સજીવસૃષ્ટિ માત્ર જીવનદાતા સમાન છે. અનાજ , પાણી અને પ્રાકૃતિક સૌદર્ય વર્ષાઋતુને આભારી છે. એટલે જ વર્ષાઋતુને ઋતુઓની રાણી કહેવામાં આવે છે.
વર્ષાઋતુ નિબંધ ગુજરાતી ધોરણ 7, 8, 9
ભારત દેશ માં ત્રણ ઋતુઓ નો અનુભવ થાય છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું. ઉનાળા ની આકરી ગરમી પછી ચોમાસું આવે છે. ચોમાસા માં વરસાદ આવે છે તેથી તેને “વર્ષાઋતુ” કહે છે.
વર્ષાઋતુ માં આકાશ માં કાળાં કાળાં વાદળો છવાઈ જાય છે. વાદળો ના ગડગડાટ, વીજળી ના ચમકારા અને પવન ના સુસવાટા સાથે મૂશળધાર વરસાદ તૂટી પડે છે. વરસાદ નું આગમન થતાં જ લોકો ખુશ ખુશ થઇ જાય છે. વરસાદ નું આગમન થતાં ચારે બાજુ ભીની માટી ની સુગંધ આવે છે. વર્ષાઋતુ માં નદી, તળાવો, કૂવા, સરોવર, જળાશયો વગેરે નવાં પાણી થી છલકાઈ જાય છે.
વરસાદ ના આગમન થી મોર કળા કરી ને નાચે છે. દેડકા ડ્રાઉં..ડ્રાઉં… કરે છે. વરસાદ માં બાળકો પાણી માં છબછબિયાં કરે છે. બાળકો કાગળ ની હોડી બનાવી ને પાણી માં તરતી મૂકે છે. બાળકો વરસાદ માં ગીતો પણ ગાય છે. બાળકો ને વરસાદ માં નાહવા ની ખૂબ જ મજા આવે છે.
વરસાદ માં ઘણી વાર આકાશ માં સપ્તરંગી મેઘધનુષ દેખાય છે. લોકો વરસાદ માં ગરમ ગરમ ભજીયા અને દાળવડા ખાઈ ને વરસાદ ની મજા લે છે. લોકો વરસાદ માં છત્રી અને રેઇનકોટ નો ઉપયોગ કરે છે. પવન ના સુસવાટા સાથે વરસાદ હોય ત્યારે છત્રી ને કાગડો બનતી જોવા ની પણ મજા આવે છે.
ખેડૂતો ની પ્રિય ઋતુ વર્ષાઋતુ છે. ખેડૂતો વર્ષાઋતુ ની આતુરતા થી રાહ જુએ છે. વરસાદ નું આગમન થતાં જ ખેડૂતો આનંદ માં આવી જાય છે. ખેડૂતો ખેતર ખેડી ને વાવણી કરે છે. વરસાદ આવવા થી ખેતરો માં લીલોછમ પાક લહેરાવા લાગે છે.
વર્ષાઋતુ એટલે અવનવાં તહેવારો ની ઋતુ. રક્ષાબંધન, જન્માષ્ટમી, પર્યુષણ, ગણેશ ચતુર્થી અને નવરાત્રી જેવા તહેવારો પણ વર્ષાઋતુ માં જ આવે છે. આ બધા તહેવારો લોકો આનંદ અને ઉલ્લાસ થી ઉજવે છે.
ક્યારેક વધારે વરસાદ પડવા થી “અતિવૃષ્ટિ” જેવી સ્થિતિ સર્જાય છે. અતિવૃષ્ટિ થાય ત્યારે ઘણું નુકસાન થાય છે. અતિવૃષ્ટિ થી નદી, નાળા, જળાશયો પાણી ગામડાઓ ડૂબી જાય છે કે છલકાઈ જાય છે. મકાનો પડી જાય છે. લોકો નું જન જીવન ઠપ થઇ જાય છે. ખેતરો ના પાક ધોવાઈ જવા થી પાક નાશ પામે છે. અને ખેડૂતો ને મોટું નુકસાન થાય છે.
જો વરસાદ ઓછો પડે તો “અનાવૃષ્ટિ” જેવી સ્થિતિ સર્જાય છે. નદી, નાળા, જળાશયો પાણી વગર સૂકવવા લાગે છે. તેને “સૂકો દુકાળ” પણ કહે છે. ખેડૂતો ને અનાવૃષ્ટિ થી ખુબ જ નુકસાન થાય છે. ધંધા રોજગાર માં ભારે નુકસાન થાય છે.
વર્ષાઋતુ માનવ જીવન માટે ખુબ જ ઉપયોગી ઋતુ છે. આપણા જીવન નો મુખ્ય આધાર જ અનાજ અને પાણી છે. આમ, વર્ષાઋતુ સૌના જીવન નો મુખ્ય આધાર છે. એટલે જ કવિઓ એ વર્ષાઋતુ ને “ઋતુઓ ની રાણી” કહી છે.
વર્ષાઋતુ નિબંધ ગુજરાતી ધોરણ 4, 5, 6
આપણાં દેશમાં મુખ્ય ત્રણ ઋતુઓનો અનુભવ થાય છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું. શિયાળામાં ઠંડી પડે છે. ઊનાળામાં ગરમી અને ચોમાસામાં વરસાદ પડે છે. વર્ષા આપતી ઋતુ એટલે વર્ષાઋતુ. વર્ષાઋતુને ઋતુઓની રાણી કહે છે.
અષાઢ માસથી વર્ષાઋતુની શરૂઆત થાય છે. આકાશ કાળા ડિબાંગ વાદળોથી છવાઈ જાય છે. વાદળોનો ગડગડાટ થાય છે. વીજળી ચમકારા કરે છે. ઠંડો ઠંડો પવન ફૂંકાય છે. અને વરસાદ વરસે છે. વરસાદ પડતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરાઈ જાય છે. સહુને આનંદ આનંદ થઈ જાય છે.
વરસાદ પડતાં જ ખેડૂતો ખુશ થઈ જાય છે. તેઓ ખેતરે જાય છે. અને વાવણી કરે છે. વર્ષાઋતુમાં ખેતરો પાકથી લીલાછમ બની જાય છે. ધરતી પર લીલું લીલું ઘાસ ઊગે છે. ધરતી માતાએ જાણે કે લીલી સાડી પહેરી હોય તેવું લાગે છે. વર્ષાઋતુમાં મોર ખુશ થઈને ટહુકા કરે છે. મોર કળા કરીને નાચે છે. દેડકા “ડ્રાઉં, ડ્રાઉં કરે છે.
વરસાદ પડતાં નદી, નાળાં, તળાવ છલકાઈ જાય છે. નદીઓમાં પૂર આવે છે. ઘણીવાર વધુ વરસાદ પડતાં નદીઓના પાણી આજુબાજુના ગામોમાં ફરી વળે છે. અને લોકોનાં જાનમાલને નુકસાન થાય છે. વર્ષાઋતુ બાળકોની પ્રિય ઋતુ છે.
બાળકો વરસતા વરસાદમાં ન્હાવા માટે નીકળી પડે છે. પાણીમાં છબછબિયાં કરવાની તેમને ખૂબ મઝા પડે છે. કાગળની હોડીઓ બનાવી તેઓ પાણીમાં તરતી મૂકે છે. બાળકો આનંદથી ગાય છે :
‘આવરે વરસાદ ઘેબરિયો પરસાદ,
ઊની ઊની રોટલીને કારેલાંનું શાક !’
વરસાદ એ ઇશ્વરનું વરદાન છે. જો વરસાદ ન પડે તો દુકાળની પરિસ્થિતિ સર્જાય છે. તેવે વખતે અનાજ, પાણી અને ઘાસચારાની અછત વર્તાય છે. વર્ષાઋતુ ધરતીને શોભા અને સમૃદ્ધિ આપે છે. વર્ષાઋતુ પશુ, પંખી અને માનવીને ખૂબ ઉપયોગી છે.
વષાઋતુ નિબંધ 10 વાકયોમાં
- વષાઋતુ એ સૌની સૌથી પ્રિય ઋતુ છે. તે ખૂબ જ આનંદદાયક હોય છે.
- વષાઋતુની મોસમમાં લોકો રેઈનકોટ અને છત્રી લઈને બહાર નીકળે છે.
- વષાઋતુ જયારે વરસાદ આવે છે તે પહેલાં, આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ જાય છે, ચારે કોર અંધારું થઈ જાય છે, કયારેક વીજળી પડે છે અને જોરદાર પવન ફૂંકાય છે.
- વષાઋતુની મોસમમાં લોકો ફરવા અને પિકનિક માટે જાય છે.
- જ્યારે વરસાદ પડે છે ત્યારે બજાર અને શેરીઓમાં પાણી ભરાઈ જાય છે.
- વરસાદ પડે ત્યારે નાના હોય કે મોટા દરેક જણ ઘરની છત પર નહાવાની મજા લેતા જોવા મળે છે.
- વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે.
- ચોમાસાની શરૂઆતથી જ ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોતા હોય છે, જ્યારે વરસાદ આવે છે ત્યારે ખેડૂતોના ચહેરા ખીલી ઉઠે છે. પહેલા વરસાદના ખેડૂતો વધારમણા કરે છે.
- વરસાદની મોસમમાં ઘરે ગરમ વાનગીઓ બનાવવામાં આવે છે અને તેનો ભરપૂર આનંદ લેવામાં આવે છે.